અમેરિકા સહિત આ પાંચ દેશમાં સૌથી વધારે ભારતીયો કરી રહ્યાં છે વસવાટ
ભારત હવે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે. જ્યારે, ઘણા ભારતીયો લાંબા સમયથી સારા જીવન, કારકિર્દી અને શિક્ષણની તકોની શોધમાં વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર, લગભગ 3.5 કરોડ ભારતીયો ભારતની બહાર રહે છે. આમાં NRI અને ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. આ ઇમિગ્રન્ટ્સે માત્ર વિવિધ દેશોની અર્થવ્યવસ્થામાં યોગદાન આપ્યું નથી પરંતુ તેમની સાંસ્કૃતિક ઓળખને પણ મજબૂત રાખી છે.
અમેરિકાઃ અમેરિકા એ દેશ છે જ્યાં સૌથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. જ્યાં લગભગ 54 લાખ ભારતીયો રહે છે. જેમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પરિવારોનો સમાવેશ થાય છે. ભારતીય અમેરિકન સમુદાય આજે અમેરિકાના સૌથી સફળ વંશીય જૂથોમાં ગણાય છે. ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં તેમની હાજરી મજબૂત છે. ભારતીય વસ્તી ખાસ કરીને ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં સૌથી વધુ છે.
UAE : UAE ભારતીયોનું બીજું સૌથી મોટું સ્થળ માનવામાં આવે છે. અહીં લગભગ 36 લાખ ભારતીયો રહે છે, જે દેશની કુલ વસ્તીના લગભગ એક તૃતીયાંશ છે. આ સમુદાયમાં મજૂર વર્ગથી લઈને મોટા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો સુધીના લોકોનો સમાવેશ થાય છે. ભારતીયો માત્ર UAE ના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ તેની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલા છે.
મલેશિયા: લગભગ 29 લાખ ભારતીયો મલેશિયામાં રહે છે. આ દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટો ભારતીય પ્રવાસી સમુદાય છે. તેમાંના મોટાભાગના તમિલ મૂળના લોકો છે. જેમને બ્રિટિશ શાસન દરમિયાન મજૂરી માટે લાવવામાં આવ્યા હતા. આજે મલેશિયન ભારતીયો કાયદા, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં સક્રિય છે, અને અહીં રહેતા ભારતીયો તેમના સાંસ્કૃતિક મૂળ સાથે પણ જોડાયેલા છે.
કેનેડા : કેનેડામાં લગભગ 28 થી 29 લાખ ભારતીયો રહે છે. 1967 પછી અહીં પ્રવાસી ભારતીયોની સંખ્યા ઝડપથી વધી. આજે ભારતીય કેનેડિયન સમુદાય દેશના રાજકારણ અને જાહેર જીવનમાં પણ મજબૂત હાજરી ધરાવે છે. અહીં ભારતીયોમાં સૌથી વધુ સંખ્યા પંજાબી શીખોની છે જે બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયો જેવા પ્રાંતોમાં સ્થાયી થયા છે.
સાઉદી અરેબિયા: લગભગ 25 લાખ ભારતીયો સાઉદી અરેબિયામાં રહે છે. 1970ના દાયકામાં તેલની શોધ અને આર્થિક વિકાસ પછી ભારતીય મજૂરો અહીં આવવા લાગ્યા. આજે આ સમુદાય બાંધકામ, આરોગ્ય અને છૂટક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતને અહીંથી દર વર્ષે મોટી સંખ્યામાં રેમિટન્સ પણ મળે છે.